સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૮

કરુણ બનાવ બને ત્યારે

કરુણ બનાવ બને ત્યારે

‘તમે બહુ આનંદ કરો છો, જોકે થોડી વાર માટે અમુક પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી થયા છો.’—૧ પીતર ૧:૬

લગ્નજીવન અને કુટુંબને સુખી બનાવવા તમે ઘણા પ્રયત્નો કરો છો. તેમ છતાં, અણધાર્યા બનાવો તમારી ખુશી છીનવી લઈ શકે છે. (સભાશિક્ષક ૯:૧૧) મુશ્કેલીઓ આવી પડે ત્યારે, એમાંથી બહાર નીકળવા પ્રેમાળ ઈશ્વર આપણને મદદ કરે છે. અહીં આપેલા બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડશો તો, તમે અને તમારું કુટુંબ ગમે એવા અઘરા સંજોગોનો પણ સામનો કરી શકશો.

૧ યહોવા પર ભરોસો રાખો

બાઇબલ શું કહે છે? ‘તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’ (૧ પીતર ૫:૭) હંમેશાં યાદ રાખો કે ઈશ્વર તમારા પર દુઃખો લાવતા નથી. (યાકૂબ ૧:૧૩) ઈશ્વરની નજીક જશો તેમ, તે તમને જરૂર મદદ કરશે. (યશાયા ૪૧:૧૦) ‘તેમની આગળ તમારું દિલ ઠાલવો.’—ગીતશાસ્ત્ર ૬૨:૮.

દરરોજ બાઇબલ વાંચવાથી અને એના પર વિચાર કરવાથી તમને દિલાસો મળશે. એનાથી, તમે જોઈ શકશો કે યહોવા કઈ રીતે ‘સર્વ દુઃખમાં દિલાસો આપે છે.’ (૨ કોરીંથી ૧:૩, ૪; રોમનો ૧૫:૪) યહોવા વચન આપે છે કે તે તમને એવી શાંતિ આપશે, “જે સર્વ સમજશક્તિની બહાર છે.”—ફિલિપી ૪:૬, ૭, ૧૩.

તમે શું કરી શકો?

  • શાંત રહેવા અને સારી રીતે વિચારવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો

  • બધા ઉપાયો પર વિચાર કરો અને જે સૌથી સારો હોય એ પસંદ કરો

૨ પોતાની અને કુટુંબની કાળજી રાખો

બાઇબલ શું કહે છે? ‘ડાહ્યાનું હૃદય જ્ઞાન પ્રાપ્ત કરે છે’ અને શાણી વ્યક્તિ જ્ઞાન મેળવવા મહેનત કરે છે. (નીતિવચનો ૧૮:૧૫) તેથી, પૂરતી જાણકારી મેળવો. કુટુંબના દરેક સભ્યની જરૂરિયાત જાણો. તેઓ સાથે વાત કરો. તેઓનું ધ્યાનથી સાંભળો.—નીતિવચનો ૨૦:૫.

કુટુંબમાં કોઈ ગુજરી જાય ત્યારે શું? તમારી લાગણીઓ વ્યક્ત કરતા અચકાશો નહિ. બાઇબલ કહે છે કે, ‘ઈસુ પણ રડ્યા’ હતા. (યોહાન ૧૧:૩૫; સભાશિક્ષક ૩:૪) પૂરતો આરામ અને ઊંઘ પણ ખૂબ જરૂરી છે. (માર્ક ૬:૩૧) એમ કરવાથી તમે અઘરા સંજોગોનો સારી રીતે સામનો કરી શકશો.

તમે શું કરી શકો?

  • કુટુંબ સાથે રોજ વાત કરવાની આદત રાખો. એમ કરશો તો, મુશ્કેલી આવી પડે ત્યારે, તેઓ દિલ ખોલીને તમારી સાથે વાત કરી શકશે

  • તમારા જેવા સંજોગોનો સામનો કર્યો હોય એવા લોકો સાથે વાત કરો

૩ બીજાઓ પાસેથી જરૂરી મદદ માંગો

બાઇબલ શું કહે છે? ‘સાચો મિત્ર હંમેશાં વફાદાર રહે છે. જરૂરના સમયે મદદરૂપ થવા ભાઈ જન્મ્યો છે.’ (નીતિવચનો ૧૭:૧૭, IBSI) તમારા મિત્રો તમને મદદ કરવા ચાહે છે, પણ એ જાણતા નથી કે તમને શાની જરૂર છે. તેથી, જરૂરી મદદ માંગતા અચકાશો નહિ. (નીતિવચનો ૧૨:૨૫) તેમ જ, બાઇબલ સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા એ માટે અનુભવી ભાઈ-બહેનોની મદદ માંગો. બાઇબલમાંથી તેઓ જે માર્ગદર્શન આપશે એનાથી તમને મદદ મળશે.—યાકૂબ ૫:૧૪.

યહોવા અને તેમનાં વચનોમાં પૂરી શ્રદ્ધા હોય એવા લોકોની સંગત રાખો. એમ કરવાથી તમને જરૂરી મદદ મળશે. તેમ જ, બીજાઓને ઉત્તેજન આપવાથી પણ તમને ઘણો દિલાસો મળશે. યહોવા અને તેમનાં વચનો વિશે તેઓને જણાવો. લોકોને મદદ કરતા રહો. વધુમાં, જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી કાળજી રાખે છે તેઓની સંગતમાં રહો.—નીતિવચનો ૧૮:૧; ૧ કોરીંથી ૧૫:૫૮.

તમે શું કરી શકો?

  • ભરોસો હોય એવા મિત્ર સાથે વાત કરો અને તેમની મદદ લો

  • તમારી જરૂરિયાતો વિશે સ્પષ્ટ જણાવો