સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?

ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?

પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યું છે કે યહોવા ઈશ્વર “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) આપણે બધાં તેમનાં બાળકો હોવાથી તેમને કોઈ પણ સમયે અને જગ્યાએ પ્રાર્થના કરી શકીએ છીએ. પછી ભલે મોટેથી કરીએ કે મનમાં, તે આપણી પ્રાર્થના સાંભળે છે. તે આપણા પિતા છે એટલે ચાહે છે કે આપણી બધી જ ચિંતાઓ દિલ ખોલીને તેમને જણાવીએ. (માથ્થી ૬:૯) પવિત્ર શાસ્ત્રમાં તેમણે જણાવ્યું છે કે પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ.

યહોવા ઈશ્વરને ઈસુના નામમાં પ્રાર્થના કરીએ

“જો તમે પિતા પાસે કંઈ માંગશો, તો તે તમને મારા નામમાં એ આપશે.”​—યોહાન ૧૬:૨૩.

એ શબ્દો ઈસુએ કહ્યા હતા. એનાથી સાફ જોઈ શકાય છે કે આપણે કોઈ મૂર્તિ, સાધુ-સંત, દેવદૂત કે પૂર્વજોને પ્રાર્થના કરવી ન જોઈએ. એના બદલે યહોવા ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. યહોવાને પ્રાર્થના કરતી વખતે આપણે ઈસુને પણ યાદ કરવા જોઈએ. પ્રાર્થના કરતી વખતે આપણે આમ કહેવું જોઈએ કે આ પ્રાર્થના ઈસુના નામમાં કરીએ છીએ. એમ કરીશું તો જ યહોવા આપણી પ્રાર્થના સાંભળશે. ઈસુએ કહ્યું હતું, “મારા વગર પિતા પાસે કોઈ જઈ શકતું નથી.” (યોહાન ૧૪:૬) ઈસુએ આપણા માટે પોતાનું બલિદાન આપ્યું. તેમના નામમાં પ્રાર્થના કરીને બતાવીએ છીએ કે આપણે તેમની ખૂબ જ કદર કરીએ છીએ.

તમારું દિલ ઠાલવો

‘ઈશ્વર આગળ તમારું હૃદય ખુલ્લું કરો.’​—ગીતશાસ્ત્ર ૬૨:૮.

એક નાનું બાળક પોતાના મનની બધી વાત મમ્મી-પપ્પાને કહે છે. એવી જ રીતે આપણે પણ યહોવા ઈશ્વરને પ્રાર્થનામાં મનની બધી જ વાત કહેવી જોઈએ. આપણી પ્રાર્થના ગોખેલી ન હોવી જોઈએ. તેમજ ચોપડીમાંથી વારંવાર વાંચતા હોય એવું પણ ન હોવું જોઈએ. આપણા મનમાં જે ચાલતું હોય એના વિશે ભગવાન સાથે ખુલ્લા મને વાત કરીએ. પછી ભલે એ વાત દુઃખની હોય કે ખુશીની!

યોગ્ય બાબતો માટે પ્રાર્થના કરો

‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો, તે આપણું સાંભળે છે.’ ​—૧ યોહાન ૫:૧૪.

પવિત્ર શાસ્ત્રમાં યહોવાએ જણાવ્યું છે કે તે આપણા માટે શું કરશે. એ પણ જણાવ્યું છે કે તે આપણી પાસેથી શું ચાહે છે. તેમજ “તેમની ઇચ્છા પ્રમાણે” પ્રાર્થના કરીશું તો તે જરૂર સાંભળશે. આપણે તેમની ઇચ્છા કેવી રીતે જાણી શકીએ? પવિત્ર શાસ્ત્ર વાંચીને આપણે જાણી શકીશું કે તેમને શું ગમે છે અને શું નહિ. જો એ ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરીશું તો તેમને આપણી પ્રાર્થના સાંભળવી ગમશે.

આપણે શાના માટે પ્રાર્થના કરવી જોઈએ?

આપણી જરૂરિયાતો માટે પ્રાર્થના કરીએ. આપણી જીવન જરૂરિયાતો માટે ભગવાનને પ્રાર્થના કરી શકીએ. જેમ કે રોટી, કપડાં અને મકાન. તેમજ યોગ્ય નિર્ણય લેવા પ્રાર્થનામાં બુદ્ધિ માંગી શકીએ અને મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત માંગી શકીએ. આપણે શ્રદ્ધા મજબૂત કરવા, ભૂલોની માફી માંગવા અને ભગવાનની મદદ મેળવવા પ્રાર્થના કરી શકીએ.—લુક ૧૧:૩, ૪, ૧૩; યાકૂબ ૧:૫, ૧૭.

બીજાઓ માટે પ્રાર્થના કરીએ. કુટુંબમાં બધાં બાળકો એકબીજા સાથે હળીમળીને રહે તો, માતા-પિતાને ખુશી થાય છે. આપણે બધાં યહોવાનાં બાળકો છીએ. એટલે, તે પણ ચાહે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ અને કાળજી રાખીએ. પવિત્ર શાસ્ત્ર જણાવે છે: “એકબીજા માટે પ્રાર્થના કરો.” (યાકૂબ ૫:૧૬) ચાલો આપણાં જીવનસાથી, બાળકો, મિત્રો, સગા-વહાલાઓ માટે પ્રાર્થના કરતા રહીએ!

આભાર માનીએ. પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યું છે કે ઈશ્વર આપણું ભલું કરે છે. ‘તે આપણા માટે આકાશમાંથી વરસાદ વરસાવે છે, ફળદાયી ઋતુઓ આપે છે અને ખોરાક આપે છે. તે આનંદથી આપણા હૃદયો ભરી દે છે.’ (પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૭) ઈશ્વરે આપેલા આશીર્વાદો પર વિચાર કરીએ છીએ ત્યારે, આપણું દિલ કદરથી ઊભરાઈ જાય છે. એ ઉપરાંત, તેમની આજ્ઞાઓ પાળીને પણ બતાવીએ છીએ કે આપણે તેમના આભારી છીએ.—કોલોસીઓ ૩:૧૫.

પ્રાર્થના કરતા રહીએ

ઘણી વાર એવું બને કે આપણે દિલથી પ્રાર્થના કરીએ, પણ એનો જવાબ ન મળે. એનાથી આપણને લાગે કે ‘ભગવાનને મારી કંઈ જ પડી નથી.’ પણ હકીકતમાં એવું નથી. ચાલો અમુક લોકોના અનુભવોનો વિચાર કરીએ. તેઓ સાથે જે બન્યું એનાથી જોવા મળે છે કે આપણી પ્રાર્થનાનો જવાબ ન મળે તો શું કરીશું? કદી હિંમત ન હારીએ. હંમેશાં પ્રાર્થના કરતા રહીએ.

સ્ટીવ જેમના વિશે આગળ જોઈ ગયા, તે જણાવે છે: “હું જિંદગીથી હારી ગયો હતો. પણ પ્રાર્થના કરવાથી મને આશાનું કિરણ દેખાયું.” સ્ટીવે શાના લીધે ફેરફારો કર્યા? તેમને બાઇબલમાંથી શીખવા મળ્યું કે ઈશ્વરને પ્રાર્થના કરતા રહેવું જોઈએ. તે કહે છે: “જીવનની મુશ્કેલ ઘડીઓમાં મિત્રોએ મને ખૂબ સાથ આપ્યો. એવા મિત્રો આપવા માટે હું યહોવાનો ખૂબ આભારી છું.”

અંજુબહેન વિશે શું? તેમને લાગતું હતું કે તે ભગવાન સાથે વાત કરવાને પણ લાયક નથી. તે કહે છે: “હું સાવ ભાંગી પડી હતી. મેં પ્રાર્થનામાં ભગવાન પાસે મદદ માંગી. મેં તેમની સામે મારું દિલ ઠાલવ્યું. એનાથી મને મનની શાંતિ મળી. ખરું કે, મારી ભૂલોને લીધે હું પોતાને નકામી ગણતી. પણ ભગવાનની નજરે હું નકામી ન હતી.” કેટલીક વાર આપણી પ્રાર્થનાઓનો જવાબ તરત નથી મળતો. તોપણ આપણે પ્રાર્થના કરતા રહેવું જોઈએ. અંજુબહેન કહે છે: “પ્રાર્થના કરવાથી હું જોઈ શકી કે યહોવા પ્રેમાળ ઈશ્વર, પિતા અને મિત્ર છે. તેમણે વચન આપ્યું છે કે તેમનું કહ્યું માનીશું તો, તે હંમેશાં આપણો સાથ નિભાવશે.”

ઇઝાબેલ જણાવે છે કે, ‘જેરાર્ડ અપંગ છે, તોય તેના ચહેરા પર ખુશી જોઉં છું. એ જ મારી પ્રાર્થનાનો જવાબ છે’

ઇઝાબેલ નામની એક સ્ત્રીનો વિચાર કરો. તે મા બનવાની હતી. ડૉક્ટરોએ તેમને જણાવ્યું કે તેમનું બાળક અપંગ જન્મશે. એ સાંભળીને ઇઝાબેલને બહુ દુઃખ થયું. કેટલાક લોકોએ તો તેમને સલાહ આપી કે ગર્ભપાત કરાવી દે. તે કહે છે: “મને સમજ પડતી ન હતી કે હું શું કરું. મેં રાત-દિવસ ભગવાનને પ્રાર્થના કરી અને તેમની મદદ માંગી.” ઇઝાબેલે એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ જેરાર્ડ રાખ્યું. જોકે, તેમનો દીકરો અપંગ જ જન્મ્યો. છતાં, ઇઝાબેલ માને છે કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી છે. તે જણાવે છે: “હું બહુ ખુશ છું કે જેરાર્ડને જન્મ આપી શકી. આજે જેરાર્ડ ૧૪ વર્ષનો છે. તે અપંગ છે, તોય તેના ચહેરા પર ખુશી જોઉં છું. એ જ મારી પ્રાર્થનાનો જવાબ છે. એ માટે હું હંમેશાં યહોવાની આભારી રહીશ.”

ઇઝાબેલની જેમ એક ઈશ્વરભક્તે પણ પ્રાર્થનામાં આમ કહ્યું: ‘યહોવા, તમે નમ્ર લોકોની ઇચ્છા માન્ય કરો છો. તમે તેઓના મન મક્કમ કરો છો અને તેઓનું સાંભળો છો.’ (ગીતશાસ્ત્ર ૧૦:૧૭) ભરોસો રાખો, ભગવાન આપણી વિનંતીઓ જરૂર સાંભળે છે.

ઈસુએ કરેલી ઘણી પ્રાર્થનાઓ બાઇબલમાં નોંધવામાં આવી છે. તેમણે પોતાના શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું. એ ખૂબ જાણીતી પ્રાર્થના છે. ચાલો, એના પર એક નજર નાખીએ.