સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આનો રચનાર કોણ?

બિલાડીની મૂછો

બિલાડીની મૂછો

પાલતુ બિલાડી મોટા ભાગે રાતના સમયે ઘણી સજાગ રહે છે. અંધારામાં નજીકની કોઈ વસ્તુ પારખવા અને પોતાનો શિકાર પકડવા બિલાડીને પોતાની મૂછો ઘણી કામ લાગે છે.

જાણવા જેવું: બિલાડીની મૂછો ચામડીની પેશીઓ સાથે જોડાયેલી હોય છે. એ પેશીઓમાં ખૂબ જ સંવેદનશીલ નાની-નાની નસો રહેલી છે. એ નસો હવામાં થતા નજીવા ફેરફારને પણ પારખી શકે છે. પરિણામે, બિલાડી જોયા વગર જ આસપાસની વસ્તુઓ પારખી શકે છે. સાચે જ, મૂછો અંધારામાં ઘણી કામ લાગે છે.

આ મૂછો ઘણી સંવેદનશીલ હોવાથી બિલાડી કોઈ વસ્તુ અથવા શિકારની જગ્યા અને હલનચલન પારખી શકે છે. એ મૂછોથી પોતે સાંકડી જગ્યામાંથી પસાર થઈ શકશે કે કેમ એ પારખવા પણ મદદ મળે છે. એક જ્ઞાનકોષ જણાવે છે: ‘બિલાડી મૂછોનું કામ આપણે પૂરી રીતે સમજી શક્યા નથી. પણ, એક વાત ચોક્કસ છે કે જો એની મૂછોને કાપી નાંખવામાં આવે, તો થોડા સમય માટે એ ઘણું બધું કરી શકતી નથી.’—એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા.

વૈજ્ઞાનિકોએ એવા રોબોટ બનાવ્યા છે જેમાં બિલાડીની મૂછો જેવા સેન્સર છે. એની મદદથી રોબોટ અવરોધને પાર કરીને આમતેમ ફરી શકે છે. આ સેન્સરને અંગ્રેજીમાં ઈ-વિસ્કર્સ કહેવાય છે. એલી જાવે નામના વૈજ્ઞાનિક જણાવે છે: ‘એવા સેન્સરનો આજે બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ શકે છે. જેમ કે, આધુનિક રોબોટ બનાવવા, મનુષ્ય અને ઇલેક્ટ્રોનિક સાધન વચ્ચેના સંચારમાં અને જીવવિજ્ઞાનમાં.’—યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, બર્કેલિ.

વિચારવા જેવું: બિલાડીની મૂછો શું પોતાની મેળે આવી કે પછી એનો કોઈ રચનાર છે? (g૧૫-E ૦૪)