સ્કીપ ટુ કન્ટેન્ટ

શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?

શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?

શાસ્ત્રમાંથી જવાબ

 ના. મોટા ભાગના લોકો કહે છે કે, પૈસા જ બધી મુશ્કેલીઓનું મૂળ છે. પણ બાઇબલ એવું નથી જણાવતું. એમાં એવું પણ નથી લખ્યું કે પૈસા ખરાબ વસ્તુ છે. બાઇબલ તો કહે છે: “પૈસાનો પ્રેમ દરેક પ્રકારની દુષ્ટતાનું મૂળ છે.”—૧ તિમોથી ૬:૧૦.

 બાઇબલમાં પૈસા વિશે શું જણાવ્યું છે?

 બાઇબલમાં જણાવ્યું છે કે જો આપણે સમજી-વિચારીને પૈસાનો ઉપયોગ કરીશું, તો એનાથી આપણને ફાયદો થશે અને “રક્ષણ” મળશે. (સભાશિક્ષક ૭:૧૨) વધુમાં, બાઇબલ એવા લોકોની પ્રશંસા કરે છે, જેઓ ખુલ્લા દિલે બીજાઓને મદદ કરે છે. એમાં પૈસાથી મદદ કરવાનો પણ સમાવેશ થાય છે.—નીતિવચનો ૧૧:૨૫.

 પણ બાઇબલ આપણને ચેતવણી આપે છે કે પૈસાને જીવનમાં સૌથી વધારે મહત્ત્વ ન આપીએ. એમાં લખ્યું છે: “જીવનમાં પૈસાનો મોહ ન રાખો. તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો.” (હિબ્રૂઓ ૧૩:૫) એનો અર્થ એ થાય કે આપણે પૈસાનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ અને વધારે પૈસા કમાવા દોટ મૂકવી ન જોઈએ. એના બદલે, રોટી, કપડાં અને મકાન જેવી જીવન-જરૂરી વસ્તુઓમાં સંતોષ માનવો જોઈએ.—૧ તિમોથી ૬:૮.

 શા માટે બાઇબલ આપણને પૈસાનો પ્રેમ રાખવાથી ચેતવે છે?

 જે લોકો પૈસાનો લોભ રાખે છે, તેઓને ભાવિમાં આ સુંદર પૃથ્વી પર હંમેશ માટેનું જીવન નહિ મળે. (એફેસીઓ ૫:૫) શા માટે? કારણ કે લોભ એક જાતની મૂર્તિપૂજા છે. (કોલોસીઓ ૩:૫) બીજું કારણ છે કે, જોઈતી વસ્તુ મેળવવાના ચક્કરમાં તેઓ સારા સંસ્કાર નેવે મૂકીને ખરાબ રસ્તો અપનાવે છે. નીતિવચનો ૨૮:૨૦માં લખ્યું છે, “જે રાતોરાત અમીર બનવા માંગે છે, તે નિર્દોષ રહેશે નહિ.” તેઓ કોઈ ગુનો કરવા પણ લલચાઈ શકે છે. જેમ કે, બ્લૅક-મેઇલ કરવું, છેતરપિંડી કરવી, ડરાવી-ધમકાવીને પૈસા પડાવવા, કોઈનું અપહરણ અથવા ખૂન કરવું.

 બની શકે કે પૈસાના પ્રેમના લીધે આપણે ગુનો ન કરીએ, પણ એનાં ખરાબ પરિણામ આવી શકે છે. બાઇબલ કહે છે, “જેઓ કોઈ પણ રીતે ધનવાન થવા માંગે છે, તેઓ કસોટીમાં પડે છે અને ફાંદામાં ફસાય છે. તેઓ મૂર્ખ અને નુકસાન કરતી ઘણી ઇચ્છાઓના શિકાર બને છે.”—૧ તિમોથી ૬:૯.

 પૈસા વિશે બાઇબલમાં આપેલી સલાહથી આપણને કઈ રીતે મદદ મળશે?

 પૈસાના ભોગે ઈશ્વરની આજ્ઞા તૂટે એવું એકેય કામ આપણે ન કરવું જોઈએ. જો સાચા દિલથી ઈશ્વરની આજ્ઞાઓ પાળીશું, તો તેમનો હાથ હંમેશાં આપણા માથે રહેશે અને પોતાની નજરમાં આપણું માન વધશે. જેઓ સાચે જ ઈશ્વરની કૃપા મેળવવા પોતાનાથી બનતું બધું કરે છે, તેઓને ઈશ્વર વચન આપે છે, “હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” (હિબ્રૂઓ ૧૩:૫, ૬) ઈશ્વર એ પણ ખાતરી આપે છે કે, “વિશ્વાસુ માણસને ઘણા આશીર્વાદો મળશે.”—નીતિવચનો ૨૮:૨૦.