સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ત્રણ

‘શ્રદ્ધા બતાવતા સર્વ લોકોના પિતા’

‘શ્રદ્ધા બતાવતા સર્વ લોકોના પિતા’

૧, ૨. નુહના સમય પછી દુનિયામાં કેવું બદલાણ આવ્યું હતું? ઈબ્રામને એ વિશે કેવું લાગ્યું?

ઈબ્રામ આંખો ઊંચી કરીને પોતાના વતન ઉર શહેરમાં દેખાતા પિરામિડ જેવા મોટા બુરજને જુએ છે, જેને ઝિગુરાત કહેવાય છે. * ત્યાં ખૂબ ઘોંઘાટ થઈ રહ્યો છે અને એમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. એ મંદિરમાં ચંદ્રદેવના પૂજારીઓ ફરીથી બલિદાનો ચડાવી રહ્યા છે. જરા કલ્પના કરો, ઈબ્રામ પોતાનું માથું ધુણાવતા ત્યાંથી પીઠ ફેરવી લે છે અને ગુસ્સાથી તેમનાં ભવાં ચઢી જાય છે. રસ્તાઓ પર લોકો કીડિયારાની જેમ ઊભરાઈ રહ્યા છે. એમાંથી રસ્તો કાઢતાં કાઢતાં ઈબ્રામ ઘર ભણી જાય છે તેમ, ઉરમાં પ્રસરેલી મૂર્તિપૂજા વિશે તે કદાચ વિચારી રહ્યા છે. નુહના દિવસો પછી જૂઠી ભક્તિનો જે સડો લાગ્યો હતો, એ કેટલો ફેલાઈ ગયો છે!

ઈબ્રામનો જન્મ થયો એના બે જ વર્ષ પહેલાં, નુહ મૃત્યુ પામ્યા. નુહ અને તેમનું કુટુંબ જળપ્રલય પછી વહાણમાંથી બહાર આવ્યા ત્યારે, એ કુળપિતાએ યહોવાને અર્પણ ચડાવ્યું. પછી, યહોવાએ મેઘધનુષ્ય દેખાડ્યું. (ઉત. ૮:૨૦; ૯:૧૨-૧૪) એ સમયમાં લોકો એકમાત્ર સાચા ઈશ્વરની ભક્તિ કરતા. પણ હવે, પૃથ્વી પર નુહ પછીની દસમી પેઢી વધતી જાય છે તેમ, ગણ્યા-ગાંઠ્યા લોકો જ સાચા ઈશ્વરને ભજે છે. ચારે બાજુ લોકો જૂઠા દેવ-દેવીઓને ભજે છે. અરે, ઈબ્રામના પિતા તેરાહ પણ મૂર્તિપૂજા કરે છે, બની શકે કે તે મૂર્તિઓ બનાવનાર છે.—યહો. ૨૪:૨.

ઈબ્રામે કઈ રીતે અડગ શ્રદ્ધાનો દાખલો બેસાડ્યો?

૩. સમય પસાર થયો તેમ, ઈબ્રામ કયા ગુણને લીધે અલગ તરી આવ્યા? આપણને એમાંથી કેવી મદદ મળશે?

ઈબ્રામ એ બધાથી એકદમ અલગ હતા. સમય પસાર થયો તેમ, તે પોતાની શ્રદ્ધાને લીધે વધારે અલગ તરી આવ્યા. એટલે જ, સદીઓ પછી પ્રેરિત પાઊલે ઈશ્વરની પ્રેરણાથી તેમને ‘શ્રદ્ધા બતાવતા સર્વ લોકોના પિતા’ કહ્યા. (રોમનો ૪:૧૧ વાંચો.) ચાલો જોઈએ કે ઈબ્રામને એવી શ્રદ્ધા કેળવવા શામાંથી મદદ મળી. એનાથી આપણને પણ એવી શ્રદ્ધા કેળવવા ઘણી મદદ મળશે.

જળપ્રલય પછી યહોવાની ભક્તિ

૪, ૫. ઈબ્રામ કોની પાસેથી યહોવા વિશે શીખ્યા હશે? આપણે શાને આધારે એમ કહી શકીએ?

ઈબ્રામને યહોવા ઈશ્વર વિશે ક્યાંથી શીખવા મળ્યું? આપણે જાણીએ છીએ કે એ દિવસોમાં ધરતી પર યહોવાના ભક્તો હતા. એમાંના એક શેમ હતા. ખરું કે તે નુહના ત્રણ દીકરાઓમાં સૌથી મોટા ન હતા, તોપણ ઘણી વાર તેમનો ઉલ્લેખ મોટા દીકરા તરીકે થયો છે. એનું કારણ એ હતું કે શેમને ઈશ્વર માટે અતૂટ શ્રદ્ધા હતી. * જળપ્રલયના થોડા સમય પછી, નુહે યહોવાનો ઉલ્લેખ ‘શેમના ઈશ્વર’ તરીકે કર્યો. (ઉત. ૯:૨૬) શેમને યહોવા અને તેમની ભક્તિ માટે ખૂબ જ આદર હતો.

શું ઈબ્રામ શેમને ઓળખતા હતા? કદાચ તે ઓળખતા હતા. કલ્પના કરો કે ઈબ્રામ હજુ નાના છોકરા જ છે. ઈબ્રામ એ જાણીને કેવા રોમાંચિત થઈ ઊઠ્યા હશે કે તેમના એક પૂર્વજ, શેમ હજુ જીવે છે! એ પૂર્વજે ૪૦૦થી વધારે વર્ષોનો માનવ ઇતિહાસ નજરોનજર જોયો હતો! શેમે જોયું હતું કે જળપ્રલય પહેલાંની દુનિયા કેટલી દુષ્ટ હતી; એ દુષ્ટ દુનિયાનો અંત લાવતા જળપ્રલયને પણ જોયો હતો; પૃથ્વી પર માણસોની વસ્તી વધતી ગઈ તેમ, જુદી જુદી પ્રજાઓ બનતા જોઈ હતી; બાબેલના બુરજ પાસે નિમ્રોદે બળવો પોકાર્યો, એ અંધકારમય દિવસોના પણ તે સાક્ષી હતા. ઈશ્વરભક્ત શેમ કોઈ પણ રીતે એ બળવામાં ન જોડાયા. એટલે, યહોવાએ મોટો બુરજ બાંધનારાઓની ભાષા ગૂંચવી નાખી ત્યારે, શેમ અને તેમનું કુટુંબ મનુષ્યની મૂળ ભાષા બોલતા રહ્યા. નુહ એ જ ભાષા બોલતા હતા. ઈબ્રામ એ જ કુટુંબના હતા. એટલે, ઈબ્રામ મોટા થતા ગયા તેમ શેમ માટે તેમનો આદરભાવ વધતો ગયો. એટલું જ નહિ, ઈબ્રામના મોટા ભાગના જીવન દરમિયાન શેમ જીવતા હતા. તેથી, ઈબ્રામને શેમ પાસેથી યહોવા વિશે ઘણું શીખવા મળ્યું હશે.

૬. (ક) ઈબ્રામે કઈ રીતે બતાવ્યું કે જળપ્રલયના બનાવમાંથી જે શીખ્યા એને ધ્યાન આપીને દિલમાં ઉતાર્યું હતું? (ખ) ઈબ્રામ અને સારાયનું જીવન કેવું હતું?

ભલે ગમે એ હોય, પણ ઈબ્રામ જળપ્રલયના બનાવમાંથી જે શીખ્યા એને ધ્યાન આપ્યું અને દિલમાં ઉતાર્યું. નુહ જેમ ઈશ્વર સાથે ચાલ્યા હતા, એમ કરવાનો ઈબ્રામે પણ પ્રયત્ન કર્યો. એ કારણથી ઈબ્રામને મૂર્તિપૂજાથી સખત ઘૃણા હતી અને ઉરમાં તે એકદમ અલગ તરી આવ્યા. અરે, તેમના કુટુંબમાં પણ તે જુદા દેખાઈ આવતા. પણ, તેમને સરસ જીવનસાથી મળી હતી. તે સારાય નામની સ્ત્રીને પરણ્યા જે એકદમ સુંદર તો હતી જ, સાથે સાથે તેને યહોવામાં અતૂટ શ્રદ્ધા પણ હતી. * ખરું કે તેઓને બાળકો ન હતાં, તોપણ સાથે મળીને યહોવાની ભક્તિ કરવામાં તેઓને ઘણી ખુશી મળી હશે. તેઓએ ઈબ્રામના ભત્રીજા લોતને મોટો કર્યો હતો.

ઉરમાં ફૂલીફાલી રહેલી મૂર્તિપૂજાથી ઈબ્રામને સખત ઘૃણા હતી

૭. ઈસુના પગલે ચાલનારાઓએ કઈ રીતે ઈબ્રામને અનુસરવું જોઈએ?

ઉરમાં થતી મૂર્તિપૂજાને લીધે ઈબ્રામે ક્યારેય યહોવાને છોડી દીધા નહિ. તે અને સારાય એ મૂર્તિપૂજક સમાજથી એકદમ અલગ દેખાવા રાજી હતાં. આપણે સાચી શ્રદ્ધા કેળવવી હોય તો, આપણું વલણ પણ એવું જ હોવું જોઈએ. આપણે પણ એકદમ અલગ દેખાવા રાજી હોવા જોઈએ. ઈસુએ કહ્યું કે તેમને પગલે ચાલનારાઓ “દુનિયાના નથી” અને એને લીધે દુનિયા તેઓને ધિક્કારશે. (યોહાન ૧૫:૧૯ વાંચો.) યહોવાને ભજવાના નિર્ણયને લીધે, કુટુંબના સભ્યોએ અથવા તમારા સમાજે તમને ત્યજી દીધા હોઈ શકે. જો એવું દુઃખ તમારે સહેવું પડ્યું હોય, તો ભૂલશો નહિ કે તમે એકલા નથી. તમારી અગાઉ ઈબ્રામ અને સારાય પણ યહોવા સાથે ચાલ્યા હતા; તેઓનો તમને સાથ છે.

‘તારા દેશમાંથી નીકળીને જા’

૮, ૯. (ક) ઈબ્રામને કયો યાદગાર અનુભવ થયો? (ખ) ઈબ્રામને યહોવાએ કયો સંદેશો આપ્યો?

એક દિવસ ઈબ્રામને યાદગાર અનુભવ થયો. તેમને યહોવા ઈશ્વર પાસેથી સંદેશો મળ્યો! ઈબ્રામને એ સંદેશો કઈ રીતે મળ્યો, એ વિશે બાઇબલ વધારે માહિતી આપતું નથી. પણ, એ ચોક્કસ જણાવે છે કે “મહિમાવંત ઈશ્વરે” એ શ્રદ્ધાળુ માણસને દર્શન આપ્યું હતું. (પ્રેરિતોનાં કાર્યો ૭:૨, ૩ વાંચો.) કદાચ દૂત દ્વારા ઈબ્રામને વિશ્વના માલિક, યહોવાના અદ્ભુત મહિમાની ઝલક મળી હશે. આપણે કલ્પના કરી શકીએ કે જીવંત ઈશ્વર અને એ સમયના લોકો ભજતા હતા એ નિર્જીવ મૂર્તિઓ વચ્ચેનો તફાવત જોઈને ઈબ્રામને કેટલી ખુશી થઈ હશે!

ઈબ્રામને યહોવાએ કયો સંદેશો આપ્યો? “તારા દેશમાંથી અને તારાં સગાઓ વચ્ચેથી નીકળી જા અને હું તને જે દેશ બતાવું ત્યાં જા.” યહોવાએ જણાવ્યું ન હતું કે તેમના મનમાં કયો દેશ હતો. તેમણે તો ફક્ત એટલું જ કહ્યું હતું કે પોતે ઈબ્રામને એ દેશ બતાવશે. એના પહેલાં ઈબ્રામે પોતાના વતન અને સગાં-વહાલાંને છોડીને ત્યાંથી નીકળી જવાનું હતું. પ્રાચીન મધ્યપૂર્વના સમાજોમાં કુટુંબ ઘણું મહત્ત્વનું હતું. કોઈ માણસ પોતાનાં સગાઓને છોડીને દૂર બીજે ક્યાંક રહેવા જાય તો, તેનું નસીબ ફૂટેલું છે એવું માનવામાં આવતું; અમુકને મન તો એ મોતથી પણ ખરાબ ગણાતું!

૧૦. ઈબ્રામ અને સારાય માટે ઉરનું ઘર છોડવું કેમ મોટી કુરબાની હતું?

૧૦ ઈબ્રામ માટે પોતાનો દેશ છોડવો એ મોટી કુરબાની હતી. ઉર તો લોકોથી ઊભરાતું ધનવાન શહેર હતું. (“ ઈબ્રામ અને સારાયે છોડ્યું એ શહેર” બૉક્સ જુઓ.) પ્રાચીન ઉરમાં થયેલું ખોદકામ બતાવે છે કે ત્યાં બહુ આરામદાયક મકાનો હતાં; અમુક મકાનોમાં તો કુટુંબ અને નોકર-ચાકરો માટે ૧૨ કે એથી વધારે ઓરડા હતા, જે ફરસવાળા ચોક ફરતે આવેલા હતા. સામાન્ય સુવિધાઓમાં પાણી, જાજરૂ અને ગટરની સગવડો પણ હતી. એ પણ યાદ રાખો કે ઈબ્રામ અને સારાય કંઈ યુવાન ન હતાં; ઈબ્રામ ૭૦થી અને સારાય ૬૦થી વધારે ઉંમરનાં હતાં. જેમ કોઈ પ્રેમાળ પતિ પોતાની પત્ની માટે ચાહે, એમ ઈબ્રામ ચોક્કસ ચાહતા હશે કે સારાયને બને એટલી સુખસગવડો મળે. કલ્પના કરો, આ જવાબદારી વિશે તેઓ કેવી વાતો કરતા હશે; તેઓના મનમાં કેવા સવાલો ઊભા થયા હશે અને કેવી ચિંતા થઈ હશે. સારાયે આ જવાબદારી સ્વીકારી, એ જોઈને ઈબ્રામને કેટલી રાહત થઈ હશે! ઈબ્રામની જેમ સારાય પણ ઘરના બધા એશોઆરામ જતા કરવા તૈયાર હતી.

૧૧, ૧૨. (ક) ઉર છોડતા પહેલાં કેવી તૈયારીઓ કરવાની હતી અને કેવા નિર્ણયો લેવાના હતા? (ખ) તેઓ નીકળવાના હતા એ સવાર કેવી હતી?

૧૧ હવે, નિર્ણય લેવાઈ ગયો હોવાથી, ઈબ્રામ અને સારાયે ઘણું કામ કરવાનું હતું. ઘણો સામાન બાંધવાનો હતો અને બીજી ઘણી ગોઠવણો કરવાની હતી. તેઓએ નક્કી કરવાનું હતું કે આ અજાણી મુસાફરીમાં સાથે શું લઈ જવું અને શું પડતું મૂકવું; કુટુંબીજનો અને નોકર-ચાકરોમાંથી કોને સાથે લઈ જવા. વૃદ્ધ તેરાહ વિશે શું? તેઓએ તેરાહને સાથે લઈ જવાનું અને તેમની સંભાળ રાખવાનું નક્કી કર્યું. તેરાહે ખુશીથી એ નિર્ણય સ્વીકારી લીધો હશે, કેમ કે અહેવાલ જણાવે છે કે કુળપિતા તરીકે તે પોતાના કુટુંબને ઉર શહેરમાંથી લઈને નીકળ્યા. બેશક, તેમણે મૂર્તિપૂજા છોડી દીધી હતી. ઈબ્રામનો ભત્રીજો લોત પણ તેઓ સાથે ગયો.—ઉત. ૧૧:૩૧.

૧૨ આખરે, તેઓ નીકળવાના હતા એ સવાર આવી પહોંચી. મનની આંખોથી જુઓ કે મુસાફરો ઉર શહેરની દીવાલની બહાર અને પાણીની નહેર પાસે ભેગા થયા છે. ઊંટો અને ગધેડાઓ પર સામાન ગોઠવાઈ ગયો છે, ઘેટાંનાં ટોળાં ભેગાં કરાયાં છે; કુટુંબ અને નોકર-ચાકરો બધા તૈયાર થઈ ગયા છે અને વાતાવરણમાં ઉમંગ છવાઈ ગયો છે. * કદાચ બધાની નજર ઈબ્રામ પર છે કે તે ક્યારે નીકળવાનો ઇશારો કરે. છેવટે, એ ઘડી આવી પહોંચી અને તેઓ નીકળી પડ્યા. ઉરને તેઓએ હંમેશાં માટે પાછળ છોડી દીધું.

૧૩. યહોવાના ઘણા ભક્તો આજે કઈ રીતે ઈબ્રામ અને સારાય જેવું વલણ બતાવે છે?

૧૩ આજે યહોવાના ઘણા ભક્તો એવી જગ્યાએ જવાનો નિર્ણય લે છે, જ્યાં પ્રચાર કરવાની વધારે જરૂર છે. બીજાઓ સેવાકાર્યમાં વધુ કરવા નવી ભાષા શીખે છે. અથવા તેઓ પ્રચારની એવી રીતો પસંદ કરે છે, જેમાં તેઓએ કદી ભાગ લીધો નથી અથવા એ કરતા અચકાતા હોય. એવા નિર્ણયો લેવા મોટે ભાગે કંઈક જતું કરવું પડે છે. અમુક હદે એશઆરામી જીવન છોડવા પણ તૈયાર રહેવું પડે છે. યહોવાના ભક્તો આવું વલણ બતાવીને ઈબ્રામ અને સારાયને પગલે ચાલે છે, એ કેટલું પ્રશંસાપાત્ર છે! જો આપણે એવી શ્રદ્ધા બતાવીએ, તો ખાતરી રાખી શકીએ કે આપણે જે આપીએ, એના કરતાં યહોવા બદલામાં ઘણું વધારે આપશે. શ્રદ્ધા રાખનારા લોકોને તે જરૂર ઇનામ આપે છે. (હિબ્રૂ. ૬:૧૦; ૧૧:૬) શું તેમણે ઈબ્રામને ઇનામ આપ્યું?

યુફ્રેટિસ નદી પાર કરવી

૧૪, ૧૫. ઉરથી હારાનની મુસાફરી કેવી હતી? ઈબ્રામે અમુક સમય માટે હારાનમાં રોકાવાનું કેમ નક્કી કર્યું હોય શકે?

૧૪ મુસાફરોનો કાફલો ધીમે ધીમે રોજબરોજનાં કામોમાં ટેવાઈ ગયો. જરા કલ્પના કરો કે ઈબ્રામ અને સારાય વારાફરતી ઊંટ પર બેસે છે અને વારાફરતી ચાલે છે. તેઓની વાતચીતમાં પ્રાણીઓના ગળે બાંધેલી ઘૂઘરીઓનો રણકાર ભળી જાય છે. ઓછા અનુભવી મુસાફરોને પણ ધીમે ધીમે તંબુ બાંધતા ને છોડતા સારી રીતે ફાવી ગયું છે. તેમ જ, તેઓ બધા વૃદ્ધ તેરાહને ઊંટ કે ગધેડા પર આરામથી બેસવા માટે મદદ કરવામાં ટેવાઈ ગયા છે. યુફ્રેટિસ [ફ્રાત] નદીના મોટા વળાંકને માર્ગે તેઓ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે છે. ધીમે ધીમે દિવસોનાં અઠવાડિયાં થયાં અને અંતર કપાતું ગયું.

૧૫ આખરે, લગભગ ૯૬૦ કિલોમીટરનું અંતર કાપ્યા પછી, તેઓને હારાનની મધપૂડાના આકારની ઝૂંપડીઓ દેખાઈ. હારાન શહેર પૂર્વ-પશ્ચિમના વેપાર માર્ગ પર આવેલું જાહોજલાલીવાળું શહેર હતું. કુટુંબે મુસાફરીમાંથી વિરામ લીધો અને અમુક સમય માટે ત્યાં રોકાયું. કદાચ તેરાહ એટલા કમજોર થઈ ગયા હતા કે હવે આગળ મુસાફરી કરી શકે એમ ન હતા.

૧૬, ૧૭. (ક) ઈબ્રામ કયા કરારથી ખુશ થઈ ગયા? (ખ) યહોવાએ ઈબ્રામને હારાનમાં કઈ રીતે આશીર્વાદ આપ્યા?

૧૬ સમય જતાં, તેરાહ ૨૦પ વર્ષની ઉંમરે ગુજરી ગયા. (ઉત. ૧૧:૩૨) એ શોકના સમયમાં યહોવાએ ઈબ્રામ સાથે ફરીથી વાત કરી ત્યારે તેમને ઘણો દિલાસો મળ્યો. યહોવાએ ઈબ્રામને ઉરમાં જે સૂચનાઓ આપી હતી એ ફરીથી જણાવી. યહોવાએ પોતાનાં વચનો વિશે પણ વધારે માહિતી આપી. ઈબ્રામથી “એક મોટી કોમ” અથવા પ્રજા બનવાની હતી. તેમના લીધે ધરતીનાં બધાં કુટુંબો આશીર્વાદ મેળવવાના હતા. (ઉત્પત્તિ ૧૨:૨, ૩ વાંચો.) ઈશ્વર અને પોતાની વચ્ચે થયેલા આ કરારથી ઈબ્રામ એટલા ખુશ થઈ ગયા કે તેમણે હારાનથી આગળ મુસાફરી ધપાવી.

૧૭ જોકે, આ વખતે હજુ વધારે સામાન બાંધવાનો હતો, કેમ કે યહોવાએ ઈબ્રામને હારાનમાં ઘણા આશીર્વાદ આપ્યા હતા. “જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી, તથા જે માણસો તેઓને હારાનમાં પ્રાપ્ત થયાં હતાં,” એ વિશે અહેવાલ જણાવે છે. (ઉત. ૧૨:૫) એક પ્રજા કે મોટું કુટુંબ બનવા માટે ઈબ્રામને ધનદોલત અને નોકર-ચાકરોની જરૂર હતી. યહોવા પોતાના ભક્તોને હંમેશાં ધનવાન બનાવતા નથી. પણ, તે પોતાની ઇચ્છા પૂરી કરવા તેઓને જેની જરૂર હોય એ ચોક્કસ આપે છે. આમ, પૂરી તૈયારી સાથે ઈબ્રામ પોતાના કાફલાને લઈને અજાણી જગ્યાએ ચાલી નીકળ્યા.

ઉરના એશઆરામી જીવનનો ત્યાગ કરવાથી ઈબ્રામ અને સારાય પર કસોટીઓ આવી

૧૮. (ક) પોતાના લોકો સાથે ઈશ્વરના વહેવારની ઐતિહાસિક ઘડીએ ઈબ્રામ ક્યારે પહોંચ્યા? (ખ) પછીનાં વર્ષોમાં નીસાન ૧૪મા દિવસે બીજા કયા મહત્ત્વના બનાવો બન્યા? (“ બાઇબલ ઇતિહાસમાં મહત્ત્વની તારીખ” બૉક્સ જુઓ.)

૧૮ હારાનથી કેટલાક દિવસની મુસાફરી પછી કાર્કમીશ આવતું, જ્યાં મુસાફરો મોટા ભાગે યુફ્રેટિસ નદી પાર કરતા. કદાચ આ એ જગ્યા હતી, જ્યાં ઈબ્રામ એક મહત્ત્વની ઘડીએ આવી પહોંચ્યા હતા. ઈશ્વરે પોતાના લોકો સાથે કરેલા વહેવારની એ ઐતિહાસિક તારીખ હતી. આગળ જતાં જે નીસાન મહિનો કહેવાયો એ મહિનાનો આ ૧૪મો દિવસ હતો. એ દિવસે ઈસવીસન પૂર્વે ૧૯૪૩માં ઈબ્રામે પોતાના કાફલાને યુફ્રેટિસ નદી પાર કરાવી. (નિર્ગ. ૧૨:૪૦-૪૩) યહોવાએ ઈબ્રામને જે દેશ બતાવવાનું વચન આપ્યું હતું, એ દેશ દક્ષિણ દિશાએ ફેલાયેલો હતો. એ દિવસે ઈબ્રામ સાથે ઈશ્વરનો કરાર શરૂ થયો.

૧૯. યહોવાના વચનમાં કોના વિશે જણાવવામાં આવ્યું અને એનાથી ઈબ્રામને શું યાદ આવ્યું હશે?

૧૯ ઈબ્રામ એ દેશમાં દક્ષિણ તરફ ગયા અને મુસાફરોનો કાફલો શખેમ પાસે મોરેહના એલોન ઝાડ પાસે રોકાયો. ત્યાં ફરીથી ઈબ્રામને યહોવા પાસેથી સંદેશો મળ્યો. આ વખતે ઈશ્વરના વચનમાં ઈબ્રામના સંતાન કે બાળકની વાત થઈ, જે આ દેશનો વારસો મેળવવાનું હતું. શું ઈબ્રામે એદન બાગમાં યહોવાએ કરેલી ભવિષ્યવાણીનો વિચાર કર્યો હશે? બની શકે. એ ભવિષ્યવાણીમાં “સંતાનની” વાત થઈ હતી, જે એક દિવસ મનુષ્યોને બચાવશે. (ઉત. ૩:૧૫; ૧૨:૭) અમુક હદે ઈબ્રામ એ સમજવા લાગ્યા હશે કે યહોવાના મનમાં રહેલા મોટા મકસદનો પોતે એક ભાગ છે.

૨૦. યહોવાએ આપેલા આશીર્વાદની ઈબ્રામે કઈ રીતે કદર કરી?

૨૦ યહોવાએ આપેલા આશીર્વાદની ઈબ્રામે દિલથી કદર કરી. એ દેશમાં મુસાફરી કરી તેમ, ઈબ્રામ અમુક જગ્યાએ રોકાયા. તેમણે યહોવાને માટે વેદીઓ બાંધી, પહેલા મોરેહના એલોન ઝાડ પાસે અને પછી બેથેલમાં. ખરું કે તેમણે સાવધ રહીને એમ કર્યું, કેમ કે એ દેશમાં હજુ કનાનીઓ રહેતા હતા. ઈબ્રામે યહોવાને પ્રાર્થના કરી. મોટા ભાગે તેમણે પોતાના સંતાનના ભાવિ વિશે વિચાર કરીને ઈશ્વરનો દિલથી આભાર માન્યો હશે. તેમણે પોતાના પડોશી કનાનીઓને પણ ઈશ્વરનો સંદેશો જણાવ્યો હશે. (ઉત્પત્તિ ૧૨:૭, ૮ વાંચો.) ચોક્કસ, ઈબ્રામની જીવન-સફરમાં તેમની શ્રદ્ધાની અનેક કસોટીઓ થવાની હતી! ઈબ્રામ સમજુ હતા. ઉરમાં જે ઘર અને એશોઆરામ છોડીને તે આવ્યા હતા, એ તરફ તેમણે પાછું વળીને ન જોયું. તેમની નજર ભાવિ પર મંડાયેલી હતી. ઈબ્રામ વિશે હિબ્રૂઓ ૧૧:૧૦ કહે છે: “તે એવા શહેરની રાહ જોતા હતા જેનો પાયો મજબૂત છે, જેના રચનાર અને બાંધનાર ઈશ્વર છે.”

૨૧. ઈશ્વરના રાજ્ય વિશે ઈબ્રામની સરખામણીમાં આપણે કેટલું વધારે જાણીએ છીએ? તમને શું કરવાની પ્રેરણા મળે છે?

૨૧ એ શહેર એટલે કે ઈશ્વરના રાજ્ય વિશે આજે આપણે ઈબ્રામ કરતાં વધારે જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે હમણાં એ રાજ્ય સ્વર્ગમાંથી રાજ કરી રહ્યું છે, જે જલદી જ આ દુષ્ટ દુનિયાનો અંત લાવશે. આપણે એ પણ જાણીએ છીએ કે ઈબ્રામને લાંબા સમયથી જે સંતાનનું વચન અપાયું હતું, એ સંતાન ઈસુ ખ્રિસ્ત અત્યારે રાજ કરી રહ્યા છે. ઈબ્રાહીમને સજીવન કરવામાં આવશે, એ સમય જોવો આપણા માટે કેટલો મોટો આશીર્વાદ હશે! આખરે તે ઈશ્વરનો હેતુ પૂરેપૂરો સમજી શકશે, જેના વિશે પહેલાં તેમને ફક્ત થોડી થોડી જ ખબર હતી. યહોવાનું દરેક વચન પૂરું થતા જોવાનું શું તમને ગમશે? જો એમ હોય તો, ઈબ્રામ જેવી રીતે જીવ્યા એમ જીવો. જીવનની અમુક સુખસગવડો જતી કરવા તૈયાર રહો. યહોવાની આજ્ઞા પાળો અને તેમણે આપેલા આશીર્વાદો માટે દિલથી કદર કરો. ‘શ્રદ્ધા બતાવતા સર્વ લોકોના પિતા’ ઈબ્રામની શ્રદ્ધાને પગલે તમે ચાલશો તેમ, તે તમારા પણ પિતા બનશે!

^ ફકરો. 1 વર્ષો પછી, ઈશ્વરે ઈબ્રામનું નામ બદલીને ઈબ્રાહીમ રાખ્યું, જેનો અર્થ થાય, “દેશજાતિઓનો પૂર્વજ.”—ઉત. ૧૭:૫.

^ ફકરો. 4 એ જ રીતે, ઈબ્રામનો ઘણી વાર તેરાહના દીકરાઓમાં સૌથી મોટા તરીકે ઉલ્લેખ થયો છે. પણ તે સૌથી મોટા દીકરા ન હતા.

^ ફકરો. 6 પછીથી ઈશ્વરે સારાયનું નામ બદલીને સારાહ રાખ્યું, જેનો અર્થ થાય, ‘રાજકુમારી.’—ઉત. ૧૭:૧૫.

^ ફકરો. 12 અમુક નિષ્ણાતો સવાલ ઉઠાવે છે કે ઈબ્રામના સમયમાં ઊંટો પાળવામાં આવતા હતા કે કેમ. જોકે, એવી શંકા કરવાનું કોઈ કારણ જ નથી. બાઇબલ અનેક વાર જણાવે છે કે ઈબ્રામની મિલકતમાં ઊંટો પણ હતાં.—ઉત. ૧૨:૧૬; ૨૪:૩૫.